વરિયાળી અને ધાણા માં આવતા રોગો અને તેનું નિયંત્રણ
ભારત સમગ્ર વિશ્વભરમાં મસાલા પાકોના વાવેતર, ઉત્પાદન અને નિકાસમાં મોખરે હોવાથી મસાલાના ઘર' તરીકે ઓળખાય છે. ધાણાને ધનિયા, ધાને અને કોથમીર જેવા વિવિધ નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ધાણાનું વાવેતર મુખ્યત્વે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગર અને સોમનાથ જિલ્લાઓમાં કરવામાં આવે છે જયારે વરિયાળીનું વાવેતર મહેસાણા, ખેડા, અમદાવાદ, પાટણ, અને બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં થાય છે. આયુર્વેદિક દ્રષ્ટિએ લીલા ધાણા(કોથમરી) માં રહેલા કેટલાક ગુણ કે જે વાયુ, પિત્ત અને કફ જેવા દોષોનું શમન કરતા હોવાથી દરેક ઋતુમાં ઉપયોગમાં લઇ શકાય છે. ધાણાના બીજનો ઉપયોગ રસોઈ દરમિયાન વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવામાં થાય છે. સૂકી વરિયાળી સુગંધીદાર હોય છે અને આનંદદાયી સ્વાદ ધરાવતી હોવાથી ખાદ્ય વાનગીને સુશોભિત કરવામાં ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર વિરયાળી ઠંડી, આમનાશક અને રુચિદાયક છે. પાકના ઉત્પાદનમાં આવતા બાધક પરિબળોમાંનો એક રોગ એ અગત્યનો ભાગ ભજવે છે. ધાણા અને વિરયાળીમાં આવતા રોગોની ઓળખ અને તેના નિયંત્રણના ઉપાયો જાણવા જરૂરી બને છે. જે નીચે મુજબ છે.
![]() |
વરિયાળી અને ધાણા માં આવતા રોગો અને તેનું નિયંત્રણ |
(A) ધાણામાં આવતો ભૂકી છારો :
લક્ષણો :
આ રોગ સામાન્ય રીતે પાકમાં ફૂલ અવસ્થાએ જોવા મળે છે.
અનુકૂળ વાતાવરણમાં રોગની શરૂઆત નીચેના પાન ઉપરથી થાય છે, કે જયા સફેદ રંગની છારી જોવા મળે છે.
પાન ઉપર ફૂગની સફેદ રંગની વૃદ્ધિ આછી મખમલ જેવી થાય છે.
સમય જતાં ફૂગની વૃદ્ધિ છોડના પાન, કુમળી ડાળીઓ તેમજ બીજ ઉપર જોવા મળતા છોડ ઉપર
સફેદ પાઉડર છાંટેલ હોય તેવું જોવા મળે છે.
જે પાછળથી રાખોડીયા રંગમાં ફેરવાય છે.
રોગથી છોડનો વિકાસ અટકે છે અને દાણા બેસતા નથી અને જો બેસે તો સફેદ રંગના અને વજનમાં હલકા રહે છે.
પરિણામે બીજનું વજન અને ગુણવત્તા ઘટે છે.
અનુકૂળ પરિબળો :
ઠંડુ અને સૂકું હવામાન આ રોગને વધુ માફક આવે છે.
નિયંત્રણ :
પાકમાં રોગ આવ્યા બાદ ૧૫ દિવસના અંતરે દ્રાવ્ય ગંધક૦.૨૮ (૨૫ ગ્રામ ૧૦ લિટર પાણી) અથવા હેક્ઝાકોનાઝોલ (૧૦ મિ.લી. ૧૦ લિટર)ના ૨ થી ૩ છંટકાવ કરવા.
(B) ધાણામાં આવતો સૂકારો :
લક્ષણો :
રોગની શરૂઆતમાં મૂળ ભૂખરાશ અને પેશીનો સડો થવાથી અંતે બીજ ઉગવાની પહેલાં સૂકાઈ જાય છે.
છોડમાં સૂકારાના લક્ષણોની શરૂઆત નીચેના પાનથી થાય છે, જે પીળાશ પડતા અને કોકળાઈ જાય છે.
આ લક્ષણો ધીમે ધીમે છોડની ઉપરની બાજુ વધે છે અને તેની સાથે નીચેના પાન સૂકાઈ લંઘાય જાય છે.
રોગની શરૂઆત માં ખેતરમાં નાના કુંડાળા જોવા મળે છે જે ધીમે ધીમે ફેલાય છે.
રોગીષ્ઠ છોડ પર દાણા બેસતા નથી અને બેસે તો પણ દાણા ચીમળાયેલા, વજનમાં હલકા અને ઓછી ગુણવતાવાળા હોય છે.
અનુકૂળ પરિબળો :
તાપમાન ૨૮°સે. અને પીએચ ૫.૮ થી ૬.૯
જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં રોગનું પ્રમાણ વધે છે.
દર વર્ષે એકના એક ખેતરમાં પાક લેવામાં આવે તો પણ રોગનું પ્રમાણ વધે છે.
નિયંત્રણ :
પાકની ફેરબદલી કરવી.
રોગીષ્ઠ છોડના અવશેષો ભેગા કરી તેને બાળીને નાશ કરવો.
બીજને વાવતાં પહેલાં મેન્કોઝેબ અથવા થાયરમ જેવી દવાનો ૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવીને વાવેતર કરવું.
વાવણીના સમયે પૂરતા પ્રમાણમાં કોહવાયેલ છાણીયું ખાતર નાખવું.
રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા ફૂગ આધારીત પાઉડર ૫ કિલો પ્રતિ હેક્ટર ૫૦૦ કિલો દિવેલા કે રાયડના ખોળ સાથે મિશ્ર કરી વાવણી સમયે આપવાથી રોગનું સારુ નિયંત્રણ થાય છે.
મર્યાદીત વિસ્તારમાં સૂકારો હોય તો, સૂકાતા છોડની ફરતે કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છોડની ફરતે રેડવું.
![]() |
phospharic & salphuric Acid |
ખેતી ને લગતી કોઈ પણ વસ્તુ ની જાહેરાત જેવી કે ગાય વેચાણ,ભેંસ વેચાણ,ટ્રેક્ટર વગેરે ની ફ્રી માં જાહેરાત માટે વ્હોટ'સ app કરવું.(9601619397),જેથી તમારી પોસ્ટ અમારી SITE પર આવશે.
(C) વરિયાળીમાં આવતી કાળી ચરમી :
લક્ષણો :
આ રોગની શરૂઆત છોડની નીચેના ભાગેથી શરૂ થઈ ઉપરના ભાગ તરફ આગળ વધે છે.
આ રોગ પહેલા પાન, ડાળીઓ અને ચકકરની દાંડી જેવા કુમળા ભાગમાં તેમજ દાણા ઉપર છીંકણી રંગના નાના આકારના રૂપમાં જોવા મળે છે.
રોગના તીવ્ર અસરવાળા છોડના થડ, ડાળી,
ચકકરની પાંખડીઓ વગેરે ભાગોમાં સફેદ અથવા
રાખોડી રંગના થઈ ગયેલા જોવા મળે છે.
પાકની શરૂઆતમાં જો રોગ લાગે તો ચકકરમાં ફૂલની જગ્યાએ દાણા બેસતા નથી અને દાણા બેસે તો ચીમડાયેલા, કદમાં નાના, વજનમાં હલકા અને ફૂગવાળા હોવાથી કાળા રંગના જોવા મળે છે.
આવા રોગિષ્ઠ દાણાનું વજન અને ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે.
અનુકૂળ પરિબળો :
જાન્યુઆરી માસમાં ૨૦-૨૪ સે. તાપમાન રોગની શરુઆત માટે વધુ અનુકૂળ છે.
હવામાં ૭૫% કરતાં વધુ ભેજ રોગને વધુ અનુકુળ છે.
કમોસમી વરસાદ (માવઠું) ની સાથે જમીનમાં રહેલ ભેજથી આ રોગનો ઝડપથી વધારો થાય છે.
દર વર્ષે એકના એક ખેતરમાં પાક લેવામાં આવે તો પણ રોગનું પ્રમાણ વધે છે.
નિયંત્રણ :
પાકની ફેરબદલી કરવી.
આ રોગ બીજથી પણ ફેલાતો હોવાથી રોગમુક્ત બીજની પસંદગી કરવી.
રોગીષ્ઠ છોડના અવશેષો ભેગા કરી તેને બાળીને નાશ કરવો.
વાવણીના સમયે પૂરતા પ્રમાણમાં કોહવાયેલ છાણીયું ખાતર નાખવું.
બીજને વાવતાં પહેલાં મેન્કોઝેબ અથવા થાયરમ ફૂગનાશકનો પટ ૨-૩ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ દીઠ આપવો.
રોગ દેખાય ત્યારે મેન્કોઝેબ ૦.૨% (૨૫ ગ્રામ ૧૦ લિ.પાણી) અથવા મેન્કોઝેબ ૬૩ ટકા કાર્બેન્ડાઝીમ ૧૨ ટકા (૨૫ ગ્રામ ૧૦ લિટર પાણી)ની સાથે ભેળવી છંટકાવ કરવો.
(D) વરિયાળી અને ધાણામાં મૂળનો કોહવારો/થડનો સડો :
લક્ષણો :
રોગની શરૂઆત જમીનજન્ય ફૂગથી થાય છે.
ફેરરોપણી પછી ૧૫ થી ૨૦ દિવસ બાદ રોગની છોડના મૂળ ઉપર અસર થાય છે.
મૂળ અને થડના આક્રમિત ભાગમાં વ્યાધિજનની
વૃદ્ધિ થતાં તે ભાગમાં સડાની શરૂઆત થાય છે.
છોડને તેની વૃદ્ધિ માટે જરૂરી પાણી અને પોષકતત્વો પૂરતા પ્રમાણમાં ન મળવાથી, ઉપરથી પીળો પડવા માંડે છે.
છોડ લંધાતો જણાય અને સમય જતાં છોડ જમીન ઉપર ઢળી પડે છે.
ઢળી પડેલા છોડને ઉપાડીને જોતાં મુખ્ય મૂળ સહિતના બધા મૂળ ભૂખરા રંગના રેસાવાળા તાંતણાં જેવાં થઈ ગયેલા જોવા મળે છે.
અનુકૂળ પરિબળો :
ફેરરોપણી પછી ૧૫ થી ૨૦ દિવસ બાદ જમીનનું ઉષ્ણતામાન ઊંચુ હોય ત્યારે રોગની શરૂઆત થાય છે.
નિયંત્રણ :
ફેરરોપણી કરતાં પહેલાં ધરૂને કો૫૨ ઓક્ઝિકલોરાઈડ દવાનું ૦.૨ % (૪૦ ગ્રામ/૧૦ લિટર પાણી) દ્રાવણમાં બોળવા.
ફેરરોપણી બાદ ૬૫ થી ૭૫ દિવસે તાંબાયુકત દવાનું ૦.૨ % (૪૦ ગ્રામ/૧૦ લિટર પાણી) નું દ્રાવણ છોડના થડની આસપાસ રેડવુ.
છોડ પાણીના સીધા સંપર્કમાં લબો સમય ન રહે તે માટે થડની આજુ બાજુ માટી ચઢાવવી.
(E) વરિયાળીનો સાકરિયો | મધિયો
લક્ષણો :
મોલો પ્રકારની જીવાતને લીધે ઉદભવતી વ્યાધિને
ખેડૂતો ‘સાકરિયો’ તરીકે ઓળખે છે.
જેના કારણે છોડ, ડાળી, પાન અને દાણાના ચક્કર ઉપર સાકરવાળું પ્રવાહી જમા થતાં તેની ઉપર મૃતોપજીવી ફૂગ ચોંટીને વૃદ્ધિ પામે છે.
પરિણામે ચકકરમાં દાણા બેસતા નથી અને ઘણી વાર આક્રમિત ભાગો કાળા પડી ગયેલા દેખાય છે.
ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય અને દાણાની ગુણવત્તા બંને ઉપર માઠી અસર થાય છે.
ડીસેમ્બર-જાન્યુઆરી માસમાં પિયત અને નાઈટ્રોજન યુકત ખાતરોનો વધુ વપરાશથી આ રોગ વધે છે.
નિયંત્રણ :
વધુ પડતા પિયત અને નાઈટ્રોજન યુક્ત ખાતરોનો વપરાશ ટાળવો.
મોલોના નિયંત્રણ માટે ડાયમિથોએટ અથવા મિથાઇલ- ઓ- ડીમેટોન ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીનો છંટકાવ કરવો.
(F) ફાયલોડી (પર્ણગુચ્છ) :
લક્ષણો:
રોગગ્રસ્ત છોડના નીચેના પાન પીળા પડવા લાગે છે અને છોડ ઠીંગો રહે છે.
ફૂલની વાનસ્પતિક વૃદ્ધિ થવાને કારણે છોડ ઉપર ચકકર બેસતા નથી.
આ રોગના ફેલાવા માટે ચૂસીયાં પ્રકારની જીવાત કારણભૂત છે.
નિયંત્રણ :
રોગીષ્ઠછોડનો ઉપાડીને નાશ કરવો.
ધરૂને ૦.૪ ટકા ઈમિડાકલોપ્રીડના દ્રાવણમાં ૧૦ મિનિટ બોળીને ફેરરોપણી કરવી.
શકય હોય તો ધરૂને ૪૦ મેશ નાયલોન જાળીમાં ઉછેરવા.
ફેરરોપણીના એક મહિના પછી ઈમિડાકલોપ્રીડ જંતુનાશકને ૩ મિ.લી. ૧૦ લિટર પાણી મુજબ છંટકાવ કરવો.
0 Comments
thank you for comment !