ભારતમાં ચણાના મુખ્ય બે પ્રકારો છે કાબુલી અને દેશી. કાબુલી જાતો સફેદ રંગના મોટા દાણાવાળી હોય છે જેને લાંબા શિયાળા અને તીવ્ર ઠંડીની જરૂર પડતી હોવાથી ગુજરાતમાં તેનું વધારે ઉત્પાદન મળતુ નથી. ઉત્તર ભારતના ચણા પકવતા રાજ્યોમાં તે વધુ અનુકૂળ આવે છે. આપણા રાજ્યમાં ટૂંકો અને હળવો શિયાળો હોવાથી દેશી ચણાની જાતો અનુકૂળ રહે છે.
કૃષિ યુનિવર્સિટી તરફથી દેશી ચણાની ગુજરાત માટે ત્રણ જાતો બહાર પાડવામાં આવી છે જેની માહિતી નીચે મુજબ છે.
(૧) ગુજરાત ચણા -૧ :
ગુજરાત ચણા-૧ જાત, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે છે. આ જાત પિયત તેમ બિનપિયત બન્ને વિસ્તારો માટે છે. આમ છતા આ જાત પિયત હેઠળ વધુ અનુકૂળ આવે છે. માટે પિયત ચણા ઉગાડતા ખેડૂતોએ આ જાતની પસંદગી કરવી જોઈએ. આ જાત ૧૦૫ થી ૧૧૦ દિવસે પાકી જાય છે. જૂની પિયત જાતો દાહોદ પીળા અને આઈ.સી.સી.સી.૪, કરતા તેનો ઉતારો ૨૫ ટકા વધારે આવે છે. પિયતમાં તેનો ઉતારો ૨૦૦૦ થી ૨૨૦૦ કિલો પ્રતિ હેકટરે મળે છે. જ્યારે બિનપિયતમાં હેકટરે ૧૦૦૦ થી ૧૨૦૦ કિલો ઉતારો હેકટરે મળે છે.
(૨) ગુજરાત ચણા-ર :
ગુજરાતમાં ચણા-૨ બિનપિયત જાત હોવાથી ભાલ અને ઘેડ માટે અનુકૂળ છે. નેવુંથી પંચાણું દિવસોમાં પાકતી આ જાતનો દાણો ચાફા ચણા કરતા અઢીથી ત્રણ ઘણો મોટો હોવાથી બજારભાવ ઉંચો મળે છે. આ જાત જંજીરા અને દાળીયા માટે પણ ખૂબ જ અનુકૂળ છે. આ જાતનો ઉતારો બિનપિયતમાં હેકટરે ૧૦૦૦ થી ૧૨૦૦ કિલો આવે છે. આ જાત ભાલમાં ખુબ જ લોકપ્રિય છે. ભાલ અને ઘેડ ઉપરાંત ગોધરા, દાહોદ, ભરૂચ, નવસારી, ખેડા અને વડોદરામાં તેનું વાવેતર શરૂ થયું છે. વિશેષમાં જણાવવાનું કે પડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઘણા ખેડૂતો આ
જાત વાવે છે.
(૩) ગુજરાત જૂનાગઢ ચણા-૩ :
આ જાત બિનપિયત વિસ્તારો માટે ભલામણ કરવામાં આવે છે. તે ગુજરાત ચણા-૧ કરતા ૧૦ ટકા તથા ગુજરાત ચણા-૨ કરતા ૧૩ ટકા વધુ ઉત્પાદન આપે છે. આ જાત ૧૫૦૦ થી ૧૬૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર ઉત્પાદન આપે છે. આ જાત આકર્ષક દાણાનો રંગ (પીળો), મોટા કદના દાણા (૨૨.૭૭ ગ્રામ ૧૦૦ બીજ), વહેલી પાકતી જાત (૯૮ દિવસ), સુકારા અને સ્ટન્ટ વાઈરસ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવતી તથા દાણાની ઉત્તમ ગુણવત્તા ધરાવતી જાત છે જેથી ઉપભોકતા તેને વધુ પસંદ કરે છે અને તેના બજારભાવ પણ વધુ મળે છે. આ જાતની એક અન્ય વિશેષતા એ છે કે તેને પિયત હેઠળ પણ વાવી શકાય છે. ગત્ રવી ઋતુમાં ઘણા ખેડૂતભાઈઓએ તેને પિયત હેઠળ વાવી હેકટર ૨૦૦૦ કિલો જેટલું ઉત્પાદન મેળવેલ હતું.
(ખેતી ને લગતી કોઈ પણ વસ્તુ ની જાહેરાત જેવી કે ગાય વેચાણ,ભેંસ વેચાણ,ટ્રેક્ટર વગેરે ની ફ્રી માં જાહેરાત માટે વ્હોટ'સ app કરવું.-9601619397)
ચણાનું વધુ ઉત્પાદન લેવા માટે કૃષિ યુનિવર્સિટી તરફથી ભલામણ કરવામાં આવેલ જાતો વાવવી અને સુધારેલી ખેતી પદ્ધતિ અપનાવવી જોઈએ.
ચણાની ખેતી પદ્ધતિ:
જમીનની તૈયારી :
જે ખેડૂતોને ચણાનું વાવેતર કરવાનું છે તેઓએ ધ્યાન રાખવું કે સારી ભેજ સંગ્રહ શક્તિ ધરાવતી, કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચણા ખૂબ સારા થાય છે. આમ છતાં ગોરાડું અને રેતાળ જમીનમાં પણ આ પાક વાવી શકાય છે. જયાં ખારા ભૂગર્ભજળનું સ્તર બહું ઊચુ ન હોય અને જમીન ખારી ન હોય ત્યાં ચણા થાય છે. બિનપિયત વિસ્તારોમાં ચોમાસા પછી જેમ જેમ પાણી સુકાતુ જાય તેમ તેમ ચણાની વાવણી કરવામાં આવે છે. આવા વિસ્તારોમાં વાવણી વખતે બીજ ૧૦ થી ૧૫ સે.મી. ઊંડ ભેજમાં પડે એ ખૂબ જરૂરી છે.
પિયત વિસ્તારમાં હેકટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખીને દાંતી, રાંપ, સમારથી જમીન તૈયાર કરવી.
વાવણી સમય :
નવેમ્બરના પ્રથમ પખવાડીયા દરમ્યાન પિયત ચણાની જાતોનું વાવેતર કરવું. બિનપિયત ચણાની જાતોનું વાવેતર ઓકટોબરના છેલ્લા અઠવાડીયાથી કરી શકાય.
બીજનો દર અને અંતર :
બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી.ના અંતર મુજબ હેકટરે ૬૦ કિલો પ્રમાણે ચણા વાવવા. જો મોટા દાણાવાળી ગુજરાત-૨ અને ગુજરાત-૩ જેવી જાતો વાવવી હોય તો હેકટરે ૭૫ થી ૮૦ કિલોનું પ્રમાણ રાખવું. જરૂર કરતા વધારે અંતરે વાવવાથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ થાય છે અને છોડ મોટા અને ઊંચા વધી જાય છે.
બીજ માવજત :
વાવણી વખતે પહેલા ફુગનાશક દવા અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો. રોગ સામે રક્ષણ માટે એક કિલો બિયારણમાં ૩ ગ્રામ મુજબ ફુગનાશક દવા કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અને થાયરમ ૨ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી ૪ ગ્રામ અને વાયટાવેક્ષ ૧ ગ્રામ પ્રમાણે બિયારણને દવાનો પટ આપવો. આ દવાથી સુકારા જેવા બીજજન્ય રોગો સામે રક્ષણ મળે છે.
રાઈઝોબિયમ એ એક જાતના બેકટેરિયાનું નામ છે, જે હવામાં રહેલ નાઈટ્રોજનનું જમીનમાં સ્થાયીકરણ કરવાની શક્તિ ધરાવે છે. રાઈઝોબિયમ નામના બેકટેરિયા દરેક કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ ઉપર જોવા મળતી ગાંઠોમાં રહે છે. જે હવામાં રહેલ મુક્ત નાઈટ્રોજનનું સ્વરૂપ બદલીને છોડ સીધો ઉપયોગ કરી શકે તેવા તેને લભ્ય સ્વરૂપમાં ફેરવવાની અદ્ભૂત શક્તિ ધરાવે છે. આ પ્રવૃત્તિ વધારવા એફ-૭૫ નામનું રાઈઝોબિયમ કલચર વાપરવું. આ કલ્ચર ર૦૦ ગ્રામના પેકેટમાં મળે છે. એક પેકેટમાંથી ૮ થી ૧૦ કિલો બીજને માવજત આપી શકાય છે.
રાસાયણિક ખાતર :
ચણાને વાવણી વખતે એક જ ડોઝ ખાતરનો આપવો. પાયાના ખાતર તરીકે હેકટરે ૨૦ કિલો નાઈટ્રોજન, ૪૦ કિલો ફોસ્ફરસ અને ૨૦ કિલો ગંધક વાવણી પહેલાં ચોમાસામાં આપવો. ચણાના મૂળમાં રાઈઝોબિયમ જીવાણુંની પ્રવૃત્તિ ૨૧ દિવસોમાં શરૂ થાય છે, તેથી છોડ પોતે જ હવાનો નાઈટ્રોજન વાપરવાની શક્તિ મેળવી લે છે. આ કારણથી ચણાને પૂર્તિખાતરની જરૂર નથી. ઘણા ખેડૂતો પિયત ચણામાં પૂર્તિ ખાતર તરીકે યુરિયા આપે છે જેથી ખોટો ખર્ચ થાય છે. ઉપરાંત તેનાથી નુકસાન થાય છે.
આ વધારાનું નાઈટ્રોજન આપવાથી છોડની વધુ પડતી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે. આવા છોડમાં ફૂલો પણ મોંડા બેસે છે. તેથી ચણામાં પૂર્તિ ખાતર કયારેય ન આપવું. જૂનાગઢ કેન્દ્ર દ્વારા ચણાના પાક ઉપર ખેડૂતોના ખેતર પર ગોઠવેલા નિદર્શનોના પરિણામો એવું બતાવે છે કે ચણામાં ફૂલ અવસ્થાએ તથા પોપટામાં દાણા બંધાતી વખતે ૨% યુરિયાનો છંટકાવ કરવામાં આવે તો બિનપિયત વિસ્તારમાં ઉત્પાદન ૮ થી ૧૦ ટકા વધે છે.
પિયત :
ઘેડ અને ભાલ ઉપરાંત ચરોતરની કયારીની જમીનમાં ચોમાસા બાદ જે ભેજ સંગ્રહાયેલો હોય છે. તેનો ઉપયોગ કરીને જ બિનપિયત ચણા લેવામાં આવે છે. આમ છતાં જયાં પાણીની સગવડ હોય ત્યાં પિયત આપવાથી ઉત્પાદન ખૂબ વધારે મળે છે.
પિયત વિસ્તારમાં ઓરવાણ કરીને ચણા વાવ્યા પછી પહેલું પાણી આપવું. આ પછી ડાળી ફુટવાના સમયે એટલે કે ર૦ દિવસો પછી બીજુ પાણી આપવું. ત્રીજુ પાણી ૪૦ થી ૪૫ દિવસે ફૂલ બેસતી વખતે અને ચોથુ પાણી ૬૦ થી ૭૦ દિવસે પોપટા બેસતી વખતે આપવું. આમ ચણામાં ડાળી ફૂટતી વખતે, ફૂલ અને પોપટા બેસતી વખતે એમ ત્રણ કટોકટીની અવસ્થાએ પિયતની ખાસ જરૂરિયાત હોય છે. આ સમયે પાણી આપવાથી પાણીનો યોગ્ય ઉપયોગ અને આર્થિક ફાયદો થાય છે. ચણાનો પાક જ્યારે પિયત હેઠળ લેવામાં આવે છે ત્યારે તેને ઘઉંના પાકની જેમ વધારે પિયત આપવા નહી. ખૂબ જ ટૂંકાગાળે પિયત આપવાથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને ફૂલ તથા પોપટા મોડા આવે છે અને સરવાળે ઉત્પાદન ઓછું આવે છે.
નીંદણ અને આંતરખેડ :
જરૂર મુજબ આંતરખેડ અને નીંદણથી ખેતર ચોખ્ખું રાખવું. આ રીત સૌથી ફાયદાકારક છે, જો પિયત ચણામાં હાથ નીંદામણથી પહોંચી શકાય તેમ ન હોય તો વાવેતર બાદ તરત એટલે કે ચણા ઉગતા પહેલા પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૧૦ લિટર પાણીમાં ૫૫ મિ.લિ.) નામની દવા હેકટરે એક કિલો (સક્રિય તત્વ) મુજબ ૫૦૦ થી ૬૦૦ લિટર પાણીમાં ભેળવી છાંટવાથી નીંદણનું સારૂ નિયંત્રણ થાય છે.
પાક સંરક્ષણ :
૧. સુકારો (વીલ્ટ) :
બીજ અને જમીન બન્ને મારફત ફેલાતો આ રોગ પાકની કોઈ પણ અવસ્થા દરમ્યાન જોવા મળે છે. પાકની શરૂઆતમાં કે પાછલી અવસ્થાએ છોડ ઉભા સુકાય છે. થડ ચીરતા ઉભી કાળી કથ્થાઈ લીટીઓ જોવા મળે છે. રોગ આવતો અટકાવવા માટે રોગ પ્રતિકાર ધરાવતી જાતનું રોગમુક્ત બિયારણ વાવવું. વાવતા પહેલા બીજને ફૂગનાશક દવાનો પટ આપવો. ચણા પછી બાજરી કે જુવારની પાક ફેરબદલી અને દિવેલાનો ખોળ હેકટરે એક ટન આપવાથી આ રોગની તીવ્રતા ઘટે છે. જમીનમાં રહેલી ફૂગનો નાશ ન થાય ત્યાં સુધી આ રોગ નાબૂદ કરવો મુશ્કેલ હોવાથી એક ને એક ખેતરમાં દર વર્ષે ચણા ન લેતાં જમીન ફેરબદલી કરવી હિતાવહ છે.
૨. સ્ટન્ટ વાયરસ રોગ :
આ રોગ વાયરસથી થાય છે જેનો ફેલાવો એફીડ એટલે કે મશી નામની જીવાતથી થાય છે. ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધતું જાય છે. ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડે છે. પાન તાંબાવરણા અને જાડાં થાય છે. ડાળીઓ અને છોડ ટૂંકા થઈ જાય છે. ફાલ બેસતો નથી કે ઓછો બેસે છે. છોડ નબળો પડવાથી સુકારાનો ભોગ બની જાય છે. આ રોગને કાબૂમાં રાખવા માટે તેનો ફેલાવો કરતા વાહક મોલોમશીનું નિયંત્રણ કરવું પડે છે. આ માટે શોષક પ્રકારની દવા ફોસ્ફામીડોન ૮ મિ.લિ. ૧૦ લિ. પાણીમાં અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. ૧૦ લિ. પાણીમાં મેળવી છંટકાવ કરવો.
ચણાની જીવાતો :
ચણામાં મુખ્યત્વે લીલી ઈયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે જે પાન, કૂણી કૂંપળો અને પોપટા કોરી ખાય છે તેના નિયંત્રણ માટે સંકલિત જીવાત નિયંત્રણ અપનાવવું જેમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી. ફેરોમોન ટ્રેપ મુકવા (વીધે-૧), પક્ષીઓને બેસવાના આધાર મુકવા. રાસાયણિક નિયંત્રણમાં પ્રોફેનોફોસ ૨૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૧૨ મિ.લિ. અથવા ફેનવાલેરેટ ૧૦ મિ.લિ. અથવા આલ્ફામેથ્રીન ૫ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફૂલ બેસે ત્યારે અને પછી ૧૫ દિવસ બાદ ફરીથી છંટકાવ કરવો. ભાલ અને ઘેડ જેવા વિસ્તાર કે જયાં છંટકાવ શક્ય ન હોય ત્યાં મીથાઈલ પેરાથીઓન ૨ ટકા અથવા કલોરપાયરીફોસ ૧.૫ ટકા ભુકી હેકટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છાંટવી.
0 Comments
thank you for comment !